Sunday, August 11, 2013


શું કહું ?

વાત નાની ને સરળ  માનો નહીં તો શું કહું?
આણ આપો બોલની ને મૌનથી તો શું કહું ?

જતન કાંટાનું કરે  ને  મસળતા ફૂલો રહે, 
ગુલસિતાં  જંગલ કરે  તે બાગબાની  શું કહું?

પોષતું તે મારતું તે  ક્રમ કહો કુદરત તણો ,
તો પછી કિરતારને ઘાતક નહીં તો શું કહું?

શ્વાસમાં જે પવન છે  ઉચ્છવાસમાં તે આગ છે,
કારણ કહ્યું જીવન તણું  મારણ બને તો શું કહું?

હાજરીથી આપની જાણો  કે ઉપવન મહેંકશે,
બાગમાં ના'વો પ્રતારણ ના કહું તો શું કહું?

'શીલ'માં અવગુણ ઘણાં પણ તોલ જાણે બોલનો,
ઘા કરે જે પીઠમાં  કાયર  નહીં તો શું કહું?  






ઘાવ!

વક્ષમાં વકરે ભલે  ઝીલ્યાં અમે જે ઘાવ છે,
રક્તમાં જલતી રહે તે યાદ તેવો દાવ છે.

આગમાં જલતું બદન ને આહ પણ ના નીકળે,
દાહ શાતા આપતી તે વેદનાની વાત છે.

લો કહયું અદ્દભૂત છે આ પ્રીત પરવાના તણી,
રાખના એ ઢેરને શી અંજલિ આસાન છે.!

રાખ ફેલાવી બધે ક્ષેત્રો અને સરિતા કને,
કેમ ત્યાં ઊપજ્યો કહો ગાંધી જવાહર પાક છે ?

'શીલ'ને છેડો નહિ આળો અને પીડિત છે.
ઘા હજી પણ ઝીલશે ,દેશો ન કો' સાંત્વન હવે.







નશો.

મસ્તી મધુરાં પ્રેમની કેવી જરા જાણી તો જો,
સુરા વગર પણ જે ચઢે તે જરા માણી તો જો.

મેઘ લઈ આપે સંદેશ તે કદી જાણ્યું નહિ ,
કલ્પના કેવા વણે છે તાર જરા તાણી તો જો..

જે આપતું તે પામતું તે ક્રમ દિસે છે કુદરતી,
પામ્યા વગર પણ આપવાની છે મજા જાણી તો જો.

સનમ અને સાકી તણો શું અર્થને પામ્યાં વગર ,
છીછરામાં ખૂબ નાહ્યો જઈ  ઊંડે પાણી તો જો.

'શીલ'ને તો છે મજા આ નશો બારે પોર છે,
પુરવાર કરવા ક્યાં જવું એની ડોલતી વાણી તો જો.






નશો  ....... 


આ વાહ! અને દાદની સંગત તો જો,
પાંખો વગર ઊડવાની રંગત તો જો.

મહેફિલમાં સાથે પાથરણે બેઠા છે,
જા જઈ બેસી એની પંગત તો જો.

આયનાની પડછે રૂડા દેખાય છે,
દર્શનમાં ચહેરાની મરમ્મત તો જો.

ભીતરની વેદના પૂછે ના કોઈ પણ,
આગ તારા અંતરની અંગત તો જો.

'શીલ'ની વાતોમાં કડવું ઓસડીયુ,
ગળી જઈ એની હિકમત તો જો.






ના સરળ  .....    


આવશે એ આશામાં જીવવું સરળ,
ને થયાં નિરાશ, ના મરવું સરળ.

છે છલોછલ જામ પણ તરસ્યાં રહ્યાં,
જાળમાં છે મીન , નાં તરવું સરળ.

એ કહી ચાલ્યાં, જરૂર ત્યાં આવજો,
પંગુ,પર્વત મેળ, ના ચઢવું સરળ.

જે તમે કીધું , બધું માની લીધું,
અસલમાં છે કે'ણ , ના કરવું સરળ.

.'શીલ' જીવે છે, વેદનામાં તરબતર,
દે હવા જે આગ, ના બચવું સરળ.






    

No comments: