Tuesday, October 29, 2024

 

દર્ભ

એવાં કયા દર્ભને સેવ્યું ,

દર્ભના કયા આસને બેસાયું,

સ્પર્શના કયા દાભડે પરોવાયું,

દર્ભથી કયા સંબંધે જોડાયું,

સૂકાતું નથી, ડંખતુ નથી,  ઊડતું નથી, રગોમાં વહ્યા કરે છે,

ઓગળ્યા કરે છે, ઓગાળ્યાં કરે છે, અનંત વલોવ્યાં કરે છે.

આયુ છે, અંત છે, આદી છે, અનંત છે, પૂર્વ છે, અપૂર્વ છે,

સવાલ છે, જવાબ છે, મૂર્ત છે, અમૂર્ત છે, પાસ છે, સુદૂર છે..

ગર્ભ દર્ભ “શીલ” છે, જાણ, અણજાણ જે પામતું તે પણ “શીલ” છે..

સુસ્મિતા, સૌહાર્દ છે, સ્નેહસ્વરૂપા, આનંદઘન સદૈવ સુ”શીલ” છે..

કનુ સૂચક, “શીલ”

૩૦.૧૦.૨૦૨૪

Thursday, September 8, 2016

આર્યા માટે હાલરડું.

હાલરડું
સૂરની દોરી તાણી ભઈલું બ્હેનીને પોઢાડે,
મધ્યમ, મધ્યમ મોહન રાગે બ્હેની મુખ મલકાવે.

વ્હાલી મને તું, માત,પિતાને, દાદી, દાદા સંગે,
હેત હિલ્લોળા લેતાં પોઢે, બ્હેની મન ઉછરંગે.

સુભગ દર્શન કાજે દેવી નિંદ્રા પણ પધારે,
હળવા હાથે હૃદયે ચાંપે, નયણે ઘારણ મૂકે.

બંધ નયણે સપના કેવાં હશે ભાઈ વિચારે,
ખુલ્લી આંખે ભઈલું પળભર પરીઓ સંગ રમી આવે.

ગગન ગોખે પડદા ખૂલશે અજવાળા અંધારે ,
બ્હેની પછી તો મુજ તુજ થાશે ભણતર પણ સથવારે.

હાથ પકડી એકબીજાનો જઈશું નિત્ય પ્રવાસે,
ભીડ ભર્યા સઘળાં રસ્તાઓ પાર થશે પળવારે.
કનુ સૂચક  “શીલ”     ૦૩/૦૬/૨૦૦૭      

Monday, December 14, 2015

ગરબો.

તા.૧૩.૧૦.૨૦૧૫

ગરબો.

આવો હે મા ! હવે આવો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

આંગણાયે ગોબરાં ને મનમાં સંતાપ ઘણાં ,
રૂંધાતા શ્વાસને ઊંચા તારા બેસણાં
આંગળીએ પકડી લઇ ચાલો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

બોધ ના દેજે કે કરમ મારાં ખોટા,
ભટકું ભવાટવીએ દેખાય ના કિનારા
મારી આંખોમાં તેજ બની આવો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

હાર નથી, જીત નથી, કોઈ ના ઓવારાં,
થાકેલાં મન-તન લાગે એ નોધારાં
લઇ હૈયે હવે હેતથી ચાંપો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

કનુ સૂચક ‘શીલ’

Friday, September 26, 2014

ગરબો:

માડી આવ્યાંના વધામણાં..
આભેથી અમૃત નીતર્યા,
ઋત નવલી આવ્યાંના એંધાણાં હો જી રે..
માડી આવ્યાંના વધામણાં....
ઝૂલે હિંડોળો વ્યોમ પરિવેશમાં,
ઘૂમે આરતનો ગરબો અશેષમાં,
હૈયે રણઝણ ઝાલરના એ ટાણાં હો જી રે..
માડી આવ્યાંના વધામણાં....
ગૂંજે તાળી બ્રહ્માંડમાં ચોપાસથી,
સીજે અંતરપરાગ પૂરણ આશથી,
શબ્દ સૂર થઇ લયમાં પડઘાણાં હો જી રે..
માડી આવ્યાંના વધામણાં....
કનુ સૂચક 'શીલ'
તા.૨૪.૦૯.૨૦૧૪

ગરબો-
ઓવારણાં...
મા! મારા હૈયાની પાટ તારાં બેસણાં,
માં! મારા શ્વાસેશ્વાસે છે ઓવારણાં
હીંચે હિંડોળો અજબ ગગન ગોખમાં,
જલે દીપમાળ અંબરની ઓથમાં,
વહે પળપળ ઘટમાળ તુજ હાથમાં હો મા!
હૈયાની પાટ તારાં બેસણાં,
પૂજા સામગરી કે અર્ચનની રીતને
જાણું ના, માનુ ના વિધિવિધાનને
મુજ અંતર ઉલ્લાસે તું ઉલ્લસે હો મા!
મારા શ્વાસેશ્વાસે છે ઓવારણાં
કનુ સૂચક 'શીલ'
તા.૨૫.૦૯.૨૦૧૪

Friday, August 16, 2013

મેં તો ..


મેં તો પીધો વરસાદ અને સાંજ ચઢી ગઈ,
કેવી રોમરોમ અનહદને પાર કરી ગઈ ......

ભીની કુમાશ ખોલે સ્મરણોની પોટલી,
અંતર ઉલ્લાસ ઝૂલે આતમની  ઓટલી,
ભીતર તરબોળ  સરેઆમ કરી ગઈ...

ઝાડ,પાન,ફૂલોની ટપટપતી  આરતી,
ઉન્માદી ઝાલરની પડઘાતી  પાલખી,
ઉતરે અંધાર  ત્યાં ઉજાસ ભરી ગઈ....
કનુ સુચક ‘શીલ’
૨૮મી જુલાઈ ૨૦૧૩







પૂજય બાપુજી


કણકણ મારા ઘૂઘવતો ચેતન પારાવાર,
જ્ઞાન, ભાન ને રક્તમાં વહેતો જે સંચાર
બાપુજી ! તમને વંદન વારંવાર.

પરોઢના પગલે પરિઓના દેશમાં આવે સાદ
કલરવ પંખીવનમાં જાગ્યો જાગ હવે મુજ બાળ"
પળ એ વીતી ગઈ ભલે પણ સ્થાયી છે વિસ્તાર
 બાપુજી ! તમને વંદન વારંવાર.

ભાદરના ઊંડા ઘુના ને સરના નિર્મળ જળશી
મધુર વાણીથી દુર્ગમ પથ પર પા પા પગલી
ઋજુ હસ્તોનો સ્પર્શ હજુ પણ હૈયે છે ઉપહાર.
બાપુજી ! તમને વંદન વારંવાર.



મા


સંબંધોમાં શોધો જો મહેરામણ તો
ખમ્મા કહે તે ‘માં’ ના અવર કો.

આંધી ઉઠે કે  મળે ના કિનારા  
પતવાર પકડે તે માં’ ના અવર કો.

અંધારા ઘેરે દિસે નહીં દિશ જો
દીવાદાંડી અચલા તે માં’ ના અવર કો.

અગણિત તારા આભે ચમકતાં
ધ્રુવનો જે તારો તે માં’ ના અવર કો.

ગરવાયા ગુણની જે ઊંચ્ચેરી મેડી
‘શીલ’ના સ્વરૂપે તે માં’ ના અવર કો.



હજુ ચાલવું કેટલું ?


પગ હવે થાક્યાં માણારાજ
ઋત ઋત વેંઢાર્યા ભાર
હજુ ચાલવું કેટલું ?

સપનાની સેરથી તોરણો સજાવ્યા,
કોયલના કુહ્કારે, વર્ષા ભીંજાયા,
કડકડતા પોષે ક’દી સંકોરાયા,
ઉગતા જ આથમાવે ઝેરે કોહવાયા,
પાનખરના પાંદડાને લટકવાનું કેટલું ?

મનમંદિરીએ સૂર કેરા ડેરા,
અંતર ઉજાશે, ન હન્યતે, ફેરા,
મીરાની ભક્તિ, કબીરાના દોહા,
ઉરમાં તો ‘આ’ અને ‘તે’ની વિટંબણા,
શૂન્યમાં સરકવા સમજવાનું કેટલું ?        






ખાલી બેડલું ..




ખાલી બેડું તે ઓલ્યા નરવા જોબનિયાને કેમ કરી બાંધે નુપુર ..
હાથ તાળી દેતું’ક ને ઉડે એવું કે જાણે પગલામાં ઉગ્યું હોય ઉર ..

સરવરની પાળે કે કુવાને થાળે પાણીસર સઘળાં ઢંઢોળ્યા,
ઝરમર વર્ષાના નીર જરીક ઝીલવાને રોમરોમ વાટ જુએ કોળ્યા
લીલીકુંજાર રૂડી વાડીના દવને સીજવવા લાવો કોઈ પૂર ....

મહેંદી,કેવડિયાની ફોરમથી મઘમઘતો ફાગણ પરાગ થઇ આવે
સૂરજ કિરણોથી જળને પરોવતો ઝાકળ સમ હાર બની આવે,
ત્રાની ધીનાંગ ધીંગ ટેરવેથી ટેરવે ભરે બેડલામાં સિંદૂરી સૂર ..







હરિ !



હરિ તું તો વારે વારે વંકાતો,
હવે મારી વ્હારે ભલા ના તું ધાતો.

જળ,થળ,ઉર અંકાશી પાટી કાળ અગ્નિ અક્ષરથી ટાંકી,
સર્જન તુજ દર્પણની કરચે પળ પળ થઇ વેરતો. ..

રામ,કૃષ્ણ,ઇસાઈ મોહંમદ, શબ્દ સનાતન ઘેરે જે સદ,
આદિ અનાદિ વાણી વળોટે વણકર ખુદ તુંણાતો ....

તાણા,વાણા, સુષમણા ચરખા, મીરાં,કબીર, નરસૈયે પરખા,
 અવળ સવળ જાણે અણજાણે થળ કળથી સંતાતો ....    
          .       

હવે થાક્યો  ...



હવે થાક્યોપાક્યો દિવસ ઢળતો રાત પડતી,
શમ્યા યુધ્ધો જાણે, વિકળ મનને હાશ વળતી,
અને  દ્રુમો,શાખા,મનુજ જગના તાપ હરતા,
ઢળે ધ્યાને જોગી, અરવ પળથી સંપ કરતા.

અને જાગે ચોરો, કસબ કરનો સિદ્ધ કરવા,
સરે જાણે સર્પો, તરલ ગતથી જીવ હરવા,
ભલે જાગે ભોગી,મદન દવને ભોગ ધરવા,
મળે કે શું ખોવે, અનલ તનનો શાંત કરવા.

જળે છેવાડે ત્યાં દીપક ઘરમાં મેશ ખરતો,
ફરે મૃત્યુ છાયા, જીવન પડછે રોગ પળતો,
મરે  કે  જીવે  તે  સફર સઘળી ફોક કરતો ,
કરે  લીલા  કેવી અદમ કરણી ભૂખ ભરતો.

ખરે ! અંતર્યામી વરદ વરની લ્હાણ વરવી,
નથી જાણ્યું શાને દિવસ ઢળતો રાત પડતી





ક્ષણ


હા હવે હું સજ્જ છું,
મારી તૈયારીઓ પૂરી થઇ છે.
અવાજની હરેક ચાલ અરવ કરી છે.
અજવાસને અંધારામાં કેદ કર્યો છે.
ઓરડાના બારી બારણાં બંધ કર્યા છે.
મેં મને મળતાં પણ રોકી લીધો છે.
મનને શૂન્યમાં પૂર્યું છે.
સ્ટોપવોચ ચાલુ થાય તેટલી જ વાર છે.
જિંદગીની એ પળોને મારે ઉઘાડવી છે....
જે ક્ષણે હું જીવ્યો હતો ક’દી જિંદગી.
.


     


કામ



વહેલી પરોઢે
રેતીના ઢુવે
વાદળિયા અંધારે
દરિયાના ગણગણતાં કિનારે
સૂરજની છડી સાંભળીને
સૂનમૂન, પાંગળુંશુ
બેસી રહે છે જીવન.
ધુમ્મસ ઓઢ્યા ગગનને
અજવાસ વિખેરે છે.
પંખીઓનું મધુર ગણ,
મોજામાં પડઘાતી બાંગ,
સુવાણે ફરવા નીકળેલ જન,
ગળે ફરફરતાં મફલર
વિચલિત કરતા નથી તેને
તંદ્રિત બની
બેસી રહે છે જીવન.
ક્ષિતિજે દૃષ્ય દરિયે
સદ્યસ્નાત સૂરજના
કિરણો સહેજ દઝાડે છે.
કશુંક બબડે છે એ
મળી જશે કામ આજે
જરૂર, આશાએ
નાકા પર લાઈન લગાડવા
ચાલી પડે છે,
ભૂખ્યું જીવન.

      














Monday, August 12, 2013

જુઓ 

શોકને શબ્દસ્થ કરી આશ્વસ્ત થાયે છે જુઓ,
સ્મૃતિ અંતરમાં ભરી મૃત્યુ જીતાયે છે જુઓ.

શબ્દ મુખરિત થયા પછી સૂનકાર ઘેરે ચોતરફ,
મૌનની હર ક્ષણ મહી અવકાશ રણકે છે જુઓ.

ક્રમ કહે છે કુદરતી વૃદ્ધિ પછી છે ક્ષય જરૂર,
મુરઝાય જો કોમળ કળી શૂળ ખટકે છે જુઓ.

કાવ્યના પરિમાણની વ્યાખ્યા કરે વિદ્વદ્જનો,
પરખ નહીં, ઓળખ અહી ભાર મૂકે છે જુઓ.

'શીલ' તું સંતપ્ત રહી જીવ્યા કરે શાને જગે,
મૃત્યુ પછી ઓવારણાની ચાલ છે લોકે જુઓ.







ચોપાટ 


ત્રીશ, પચ્ચીશ કે અગીયારેથી ચાલો પહેલી ચાલ,
      પછી ભાગવું સોગઠી પાછળ,  મારવી અંતરિયાલ।      

ફૂલ, ફૂલડે સંતાતા ફરતાં ચાલો કદી પગથાર,
મુક્તિ કે મરણની વચ્ચે આમ વખતની ચાલ.

ચીપી વિચારી દાણા ફેંકો,અંચીની પણ છૂટ,
ત્રિગુણી અરિ દળની સામે આડે ધરવી ઢાલ.

ઉબડખાબડ  રસ્તાની વચ્ચે સુમન વળી કાંટા પણ,  
રંગીલી સોગઠના પટ પર   ખૂન-ખરાબી તાલ.

કોઈ યુધિષ્ઠિર, કોઈ શકુની , રમત આમ તો જૂની,
ખેંચે કે વસ્ત્રો ભલે પૂરે ઉતરતી 'શીલ'ની ખાલ.







ચોપાટ 

જીવે છે, મરતાં જીવે છે, મરે છે , જીવતા રહે છે,
ન મરે કે ન જીવે તે,  અધમુઆ જળતાં રહે છે,

સરળ આ પંથ પઘડે મરતાં અને બચતાં રહે છે,
રંગત એ ચોપાટની છે, સોગઠાં લડતાં રહે છે.

સ્મરણ ને વિસ્મરણ પણ અહી જીવતર ને મરણ છે,
કાળથી જાણે, અજાણે હર પળે ગળતાં રહે છે.

ચઢે ઉંચે , પાછા પડે પણ વ્યસ્ત માને કે સફર છે,
એકડો માંડ્યો નહિ, પણ શૂન્ય એ રળતાં રહે છે.

આવક, કદી જાવક અહી અંજળ, બધું રેખા મુજબ છે,
'શીલ' એવું સાંભળ્યું છે નસીબ પણ ફરતાં રહે છે.




કિનારે 

   છે હજુ એ ઊભા કિનારા પર,
ને છે માંડી નજર  સિતારા પર.

એ કહે પહોંચવું જરૂર જ છે,
ને જૂએ છે ચઢી મિનારા પર.

છોડી લંગર સફર શરુ કરવી,
કાં છો ઊભા હજુ ઉતારા પર?

ને પવન પણ અનુકૂળ છે,
સંકોરો શઢ ચઢી શિકા રા પર.

જળ, ધરા,ગગન ને પવન મળશે,
'શીલ' જો ચાલે સમયની ધારા પર.




મેં તો ..

મેં તો પીધો વરસાદ અને સાંજ ચઢી ગઈ,
કેવી રોમરોમ અનહદને પાર કરી ગઈ ......

ભીની કુમાશ ખોલે સ્મરણોની પોટલી,
અંતર ઉલ્લાસ ઝૂલે આતમની  ઓટલી,
ભીતર તરબોળ  સરેઆમ કરી ગઈ...

ઝાડ,પાન,ફૂલોની ટપટપતી  આરતી,
ઉન્માદી ઝાલરની પડઘાતી  પાલખી,
ઉતરે અંધાર  ત્યાં ઉજાસ ભરી ગઈ....
કનુ સુચક ‘શીલ’
૨૮મી જુલાઈ ૨૦૧૩








પૂજય બાપુજી

કણકણ મારા ઘૂઘવતો ચેતન પારાવાર,
જ્ઞાન, ભાન ને રક્તમાં વહેતો જે સંચાર
બાપુજી ! તમને વંદન વારંવાર.

પરોઢના પગલે પરિઓના દેશમાં આવે સાદ
કલરવ પંખીવનમાં જાગ્યો જાગ હવે મુજ
પળ એ વીતી ગઈ ભલે પણ સ્થાયી છે વિસ્તાર
 બાપુજી ! તમને વંદન વારંવાર.

ભાદરના ઊંડા ઘુના ને સરના નિર્મળ જળશી
મધુર વાણીથી દુર્ગમ પથ પર પા પા પગલી
ઋજુ હસ્તોનો સ્પર્શ હજુ પણ હૈયે છે ઉપહાર.
બાપુજી ! તમને વંદન વારંવાર.



મા

સંબંધોમાં શોધો જો મહેરામણ તો
ખમ્મા કહે તે ‘માં’ ના અવર કો.

આંધી ઉઠે કે  મળે ના કિનારા  
પતવાર પકડે તે માં’ ના અવર કો.

અંધારા ઘેરે દિસે નહીં દિશ જો
દીવાદાંડી અચલા તે માં’ ના અવર કો.

અગણિત તારા આભે ચમકતાં
ધ્રુવનો જે તારો તે માં’ ના અવર કો.

ગરવાયા ગુણની જે ઊંચ્ચેરી મેડી
‘શીલ’ના સ્વરૂપે તે માં’ ના અવર કો.




હજુ ચાલવું કેટલું ?

પગ હવે થાક્યાં માણારાજ
ઋત ઋત વેંઢાર્યા ભાર
હજુ ચાલવું કેટલું ?

સપનાની સેરથી તોરણો સજાવ્યા,
કોયલના કુહ્કારે, વર્ષા ભીંજાયા,
કડકડતા પોષે ક’દી સંકોરાયા,
ઉગતા જ આથમાવે ઝેરે કોહવાયા,
પાનખરના પાંદડાને લટકવાનું કેટલું ?

મનમંદિરીએ સૂર કેરા ડેરા,
અંતર ઉજાશે, ન હન્યતે, ફેરા,
મીરાની ભક્તિ, કબીરાના દોહા,
ઉરમાં તો ‘આ’ અને ‘તે’ની વિટંબણા,
શૂન્યમાં સરકવા સમજવાનું કેટલું ?        





ખાલી બેડલું ..

ખાલી બેડું તે ઓલ્યા નરવા જોબનિયાને કેમ કરી બાંધે નુપુર ..
હાથ તાળી દેતું’ક ને ઉડે એવું કે જાણે પગલામાં ઉગ્યું હોય ઉર ..

સરવરની પાળે કે કુવાને થાળે પાણીસર સઘળાં ઢંઢોળ્યા,
ઝરમર વર્ષાના નીર જરીક ઝીલવાને રોમરોમ વાટ જુએ કોળ્યા
લીલીકુંજાર રૂડી વાડીના દવને સીજવવા લાવો કોઈ પૂર ....

મહેંદી,કેવડિયાની ફોરમથી મઘમઘતો ફાગણ પરાગ થઇ આવે
સૂરજ કિરણોથી જળને પરોવતો ઝાકળ સમ હાર બની આવે,
ત્રાની ધીનાંગ ધીંગ ટેરવેથી ટેરવે ભરે બેડલામાં સિંદૂરી સૂર ..







હરિ


હરિ તું તો વારે વારે વંકાતો,
હવે મારી વ્હારે ભલા ના તું ધાતો.

જળ,થળ,ઉર અંકાશી પાટી કાળ અગ્નિ અક્ષરથી ટાંકી,
સર્જન તુજ દર્પણની કરચે પળ પળ થઇ વેરાતો. ..

રામ,કૃષ્ણ,ઇસાઈ મોહંમદ, શબ્દ સનાતન ઘેરે જે સદ્દ
આદિ અનાદિ વાણી વળોટે વણકર ખુદ તુંણાતો ....

તાણા,વાણા, સુષમણા ચરખા, મીરાં,કબીર, નરસૈયે પરખા,
 અવળ સવળ જાણે અણજાણે થળ કળથી સંતાતો ....    
          .       

હવે થાક્યો  ... 



હવે થાક્યોપાક્યો દિવસ ઢળતો રાત પડતી,
શમ્યા યુધ્ધો જાણે, વિકળ મનને હાશ વળતી,
અને  દ્રુમો,શાખા,મનુજ જગના તાપ હરતા,
ઢળે ધ્યાને જોગી, અરવ પળથી સંપ કરતા.

અને જાગે ચોરો, કસબ કરનો સિદ્ધ કરવા,
સરે જાણે સર્પો, તરલ ગતથી જીવ હરવા,
ભલે જાગે ભોગી,મદન દવને ભોગ ધરવા,
મળે કે શું ખોવે, અનલ તનનો શાંત કરવા.

જળે છેવાડે ત્યાં દીપક ઘરમાં મેશ ખરતો,
ફરે મૃત્યુ છાયા, જીવન પડછે રોગ પળતો,
મરે  કે  જીવે  તે  સફર સઘળી ફોક કરતો ,
કરે  લીલા  કેવી અદમ કરણી ભૂખ ભરતો.

ખરે ! અંતર્યામી વરદ વરની લ્હાણ વરવી,
નથી જાણ્યું શાને દિવસ ઢળતો રાત પડતી



ક્ષણ

હા હવે હું સજ્જ છું,
મારી તૈયારીઓ પૂરી થઇ છે.
અવાજની હરેક ચાલ અરવ કરી છે.
અજવાસને અંધારામાં કેદ કર્યો છે.
ઓરડાના બારી બારણાં બંધ કર્યા છે.
મેં મને મળતાં પણ રોકી લીધો છે.
મનને શૂન્યમાં પૂર્યું છે.
સ્ટોપવોચ ચાલુ થાય તેટલી જ વાર છે.
જિંદગીની એ પળોને મારે ઉઘાડવી છે....
જે ક્ષણે હું જીવ્યો હતો ક’દી જિંદગી.
.


     


કામ
વહેલી પરોઢે
રેતીના ઢુવે
વાદળિયા અંધારે
દરિયાના ગણગણતાં કિનારે
સૂરજની છડી સાંભળીને
સૂનમૂન, પાંગળુંશુ
બેસી રહે છે જીવન.
ધુમ્મસ ઓઢ્યા ગગનને
અજવાસ વિખેરે છે.
પંખીઓનું મધુર ગણ,
મોજામાં પડઘાતી બાંગ,
સુવાણે ફરવા નીકળેલ જન,
ગળે ફરફરતાં મફલર
વિચલિત કરતા નથી તેને
તંદ્રિત બની
બેસી રહે છે જીવન.
ક્ષિતિજે દૃષ્ય દરિયે
સદ્યસ્નાત સૂરજના
કિરણો સહેજ દઝાડે છે.
કશુંક બબડે છે એ
મળી જશે કામ આજે
જરૂર, આશાએ
નાકા પર લાઈન લગાડવા
ચાલી પડે છે,
ભૂખ્યું જીવન.

      

તા.૧૩.૧૦.૨૦૧૫
ગરબો.
આવો હે મા ! હવે આવો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

આંગણાયે ગોબરાં ને મનમાં સંતાપ ઘણાં ,
રૂંધાતા શ્વાસને ઊંચા તારા બેસણાં
આંગળીએ પકડી લઇ ચાલો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

બોધ ના દેજે કે કરમ મારાં ખોટા,
ભટકું ભવાટવીએ દેખાય ના કિનારા
મારી આંખોમાં તેજ બની આવો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

હાર નથી, જીત નથી, કોઈ ના ઓવારાં,
થાકેલાં મન-તન લાગે એ નોધારાં
લઇ હૈયે હવે હેતથી ચાંપો હે મા !
સુધા ભવરણમાં વહાવો.

કનુ સૂચક ‘શીલ’