ગીત: ૧
ગીત: ૨
ગીત: ૩
ગીત: ૪
ગીત: ૫
ગીત: ૬
ગીત: ૭
ગીત: ૮
ગીત: ૯
ગીત: ૧૦
ગીત: ૧૧
ગીત: ૧૨
ગીત: ૧૩
ગીત: ૧૪
ગીત: ૧૫
ગીત: ૧૬
ગીત: ૧૭
ગીત: ૧૮
કોણ
!
સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.
શીમળાના વ્રુક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.
શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.
ગીત: ૨
એકવાર ગોકુળ છોડી ગયા પછી પાછા ન આવ્યાં ઘનશ્યામ,
રાધા સલૂણા સમજી ગયા ક્હાન છાંડી ગયા છે બાળાભાવ.
ડાળી કદંબની,યમુના કિનારો,સાથીઓ હતાં ગોપ ગાય,
મહીં માખણની ફોડવી મટુકીઓ, બંસીમાં છેડ્યા સૂર્ સાત,
બાંધ્યો પવન એણે ફાટ ફાટ છાતીમાં, લીધી મથુરાની વાટ.
અંગ અંગ ટેરવાંના સ્પર્શને જે ઝૂરતાં'તા ફૂલોનો લાગતો'તો ભાર,
મોહનમૂરત તેણે સાંભળી'તી વાત જેના દર્શનથી આયખું રળિયાત,
હેતે ગ્રહી એણે હૈયે જ ચાંપી, મળ્યો કુબ્જાને નવો અવતાર.
સંદેશા આવ્યાં કદી ઉદ્ધવને સાથ લઇ પરમની પોકળ વાત,
જાણે અબૂધ શું એ ધરણીના કણકણમાં ગૂંજે છે જેનું નામ,
શિરામાં લોહી વહે યુગોથી ગોપીઓનાં, છાંડી ગયા છે જે શ્યામ.
ગીત: ૩
લીમડાં ને વડલાથી આઘે ને વચ્ચે ઉગ્યાં'તા,
મીઠાં મીઠાં બોરનાં છોડ.
સીમની વચ્ચાળે તઈ એકલી જ ઉભી'તી
ગઈ'તી મું વીણવાને બોર...
શીળા શીળા લાગતાં ભીનાં બે પોપચેથી
આવીને ત્રાટક્યાં બે ચોર.
ગુલાબી ફૂમતાંથી પગનાં સાંકળિયા લગ
હું તો આખી ને આખી લાલચોળ,
ભરી બપોરે જાણે મધરાતી ઊંઘનાં
ઉભરાણાં આંખોમાં ઘેન.
પગમાં તો મણ મણના પથ્થરાં બંધાણા ને
હૈયામાં ધમધમ પવન,
ઝાડ,પાન,ફૂલો ને આવળિયા બાવળિયા
ઊભાં રહ્યાં સાવ સૂનમૂન.
ધગધગતાં સૂરજની સાખે લૂંટાણી મું,
મુંને ફરી લૂંટાવાના કોડ્ય.
ગીત: ૪
ખાલી બેડું તે ઓલ્યા નરવાં જોબનિયાને
કેમ કરી બાંધે નુપૂર,
હાથતાળી દેતું'કને ઉડે એવું કે જાણે
પગલામાં ઊગ્યું હોય ઉર....
સરવરની પાળે કે કૂવાને થાળે
પાણીસર સઘળાં ઢન્ઢોળ્યા,
ઝરમર વર્ષાના નીર, જરીક ઝીલવાને
રોમરોમ વાટ જુએ કોળ્યાં.
લીલીકુંજાર રૂડી વાડીના દવને
સીજવવા લાવો કોઈ પૂર...
મહેંદી, કેવડિયાની ફોરમથી મઘમઘતો
ફાગણ પરાગ લઈ આવે,
સૂરજકિરણોથી જળને પરોવતો
ઝાકળસમ હાર બની આવે,
ત્રાની, ધીનાંગ, ધીન ટેરવેથી ટેરવે
ભરે બેડલામાં સિંદૂરી સૂર્...
ગીત: ૫
અળગા રહેવાના સોગંદ લીધાં છે,
તોયે શમણાંમાં મળ્યાનું યાદ છે.
અબોલાં આપણા વર્ષો પુરાણા,
તોયે ગીતોમાં ગાયાનું યાદ છે.
યાદોના શતદલ બંધ કરી બેઠો છું,
ગુંજારવ થયાનું મને જ્ઞાન છે.
લહેરખી બનીને વાયરાની સંગ તમે
રોમદલ છેડ્યાંનુ મને ભાન છે.
શગને અજવાળે દૂર જતાં પડછાયે ,
અણસાર તમારો ઓળખાય છે,
પગલાં ધીમાનો ડૂબતો અવાજ કદી
ધડકનમાં મારી ઝીલાય છે.
માનશો ? તો છોડોને બંધનો આ ઢીલાં છે,
વાયરાને કદી પકડાય છે !
પહેરીશું પાંખ અને ઉડીશું પાર પહેલે,
પ્રેમ તે શું કદી બંધાય છે !
ગીત: ૬
શમણું મળે તો નયણાંમાં બાંધુ
કે ઊંચકી પાંપણ ક્ષણ જીવું ?
શબ્દો મળે તો બંધ હોઠ ખોલું
કે મૌનથી ઉલેચું હું દરિયો ?
સલુણા સંબંધોને પોટકીમાં બાંધુ
કે વાયરાને સાથ લઇ વેરું ?
ઝાકળિયું મોતી થઇ પાંદડે ઝૂલું
કે વાદળે વરસાદ થઇ વરસું ?
આવજો...કહી મારે ઠેકાણું આપવું
કે ચાલો.. કહી સાથ થાવું ?
ફૂલડું બનીને મારે ડાળે બંધાવું
કે સૌરભ સમીર બની વહેવું ?
હૈયાની ટોપલીમાં ઇન્દ્રધનુ રંગો છે,
કેને છોડું ને કેને રાખું ?
ગીત: ૭
ચાંપેલાં હોઠ તેં ખોલ્યાં લ્યા' વાલમા !
મુંઈ મુંને થ્યું કે પ્રોઢ ફાટી જીયું,
અળગા ના થાવું કે'દી મુંથી લ્યા' વાલમા
મેલડીની સાખે કઉ દલડું વિંધાઈ જ્યું.
પૂજ્યા'તા શંકર ને ગોર્ય લ્યા' વાલમા
મું તુંને આ ભવ તંઈ પામી ગઈ,
વડલે ફરીને મુંએ તાંતણીએ બાંધ્યો તુંને
તોયે મૂઈ પંડે જ બંધાઈ જઈ.
આવડાં તે હેત લ્યા' કઈ રે જમાતનાં
દાડી દાડી ઊગે મારે કોઠા દીવા થઇ.
થાયે એવું કે મુંને રાતડીયું વીત્યે નહીં
સૂરજ ઉગે મારી આંખડીએ રામ થઇ.
આડે જો આયો લ્યા' ભૂંડા કરહણીયા
મું તુંને આણ દીધી રાધલીની તંઈ.
જમડાંઓ આવે તો આવે ના આજ કાં !
હાર્યે હોય વાલ્યમો તો કોની પાડી કંઈ !
ગીત: ૮
રેતીના માંડવે વૈશાખી વાયરા ,
વડલે પરબડી મેં માંડી હો...જી.
દવના દૂતોએ માંડ્યા છે હાટડાં
જોઉ વાટ સૂની મુખ વાળી હો..જી.
મારી પરબડીએ વિસામે છાંયડા,
કેવડિયાની વાડ મેં વાવી હો..જી.
સૂકાં કેસૂડાને પાથર્યા છે વાટમાં,
ભરી હૈયે વસંત હરખાણી હો..જી.
ઊંડે કૂવેથી ભર્યા ફાટતાં પરોઢમાં,
ગઈ'તી હું કોશ ચાર ચાલી હો...જી.
ધરબેલા ધરતીમાં માટીનાં મટકામાં
છે શીળાં ને અમરત પાણી હો..જી.
તરસ્યો આવે કોઈ એવો મુસાફર
ધરે ખોબો નજર કરી વાંકી હો...જી.
છીપે તરસ પણ ધરાયે ધરાર ના
હું વાત વિચારી શરમાણી હો...જી.
ગીત: ૯
લીલુડી પગથારે વાદળ,
ઝરમર ઝરમર ઝૂકે,
તરસી ધરતી ધીમે ધીમે ,
ધારા અમૃત ચૂસે.
દાદૂર, મોર, પપીહા બોલે,
નેહના મેહને ઝીલે,
કોઈ સલૂણી એકલ ઝૂરે,
જોતાં વાલમ ખીલે.
બિંદુ જાણે ફૂલ પાંખડીએ ,
હરખે આંસુ ઝલકે,
કોઈ નવોઢા નવલાં આણે,
નયનો ઢાળે શમણે.
કોરી કોરી કાલ હતી તે,
ભીની છે રસધારે ,
કોડીલી કન્યાની પાંપણ,
ઝૂકે લજ્જાભારે.
નભમાં ઊગ્યું મોરપીંછ,
ને નીલું આંગણ સીજે,
ફૂટે કુંપળ ધરતી અંગે,
હવામાં સૌરભ થીજે.
ગીત: ૧૦
રાધાને રોતી તો રોજ રોજ ભાળું,
પણ કાનાને રડતો બતાવો.
પોલી એની વાંસળીના છેદ પૂરી દેવાં
ને ટેરવાંને એમ બાંધી લેવાં.
રોજ વહેલાં આવીને મોરપીંછ દેતા,
પેલાં મોરલાને પિંજરામાં પૂરો.
ગોપબાળ સઘળાં ને ગાયોના ટોળાંને
વૃંદાવન વાટ મૂકી આવો.
મહીડાં વલોવવાનો અગતો જ પાળો,
કરો માખણનો બંધ દરવાજો,
ગાલાવેલી કોઈ રખે ગોપી ના થાશો,
કે ભૂખ્યો છે કરશન બિચારો.
જશોદાની સંગ પણ કરવા કરાર પછી,
ઘેર સહુ ગોપીઓ સિધાવો.
વ્હાણાં જ્યાં વાયા ત્યાં કરસનજી ઉઠ્યાં,
તેને મોરલાના ટોળે વધાવ્યાં.
રાધાએ ચોરેલી બંસી છે ભેટમાં,
મારગ મહીથી ઊભરાતો.
કાનાની આંખોમાં દડદડતા આંસુથી,
યમુનામાં પૂર ઉભરાયાં.
આજ કાનાને રડતાં ભાળ્યાં.
ગીત: ૧૧
તમે કહ્યું કે લખજો કાગળ,
લખજો વાતને માંડી.
રાખની નીચે અંગારાશી,
ઊડી યાદની આંધી.
હેત લખું તો કાગળ સળગે,
કલમ પણ અટવાતી.
રણ લખું તો કંઠને વળગે,
ઝાંઝવની સરવાણી.
લખવું કે દઉં વાણી અગોચર
પાતાળે પડઘાવી.
તમે લખી'તી પ્રીતની લીપિ,
શબ્દ વગરની કેવી !
કોરાણી'તી હૈયે તો યે
રેતમાં રેખની જેવી !
તમે સહજ એવાં ને એવાં
વાત નથી બદલાણી.
તમે અમારા હેતના સૂરજ,
ડૂબ્યાં કઈ આથમણી !
વાંક અમારો હશે જરૂર
હાથ એક પડે ના તાળી.
આરેવારે શોધી લઈશું,
દિશા ભલે અણજાણી.
ગીત: ૧૨
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ,
આડે મીંડા બધાંને કોરે મુકીએ...
જાણી છે પાનખર, માણી વસંત કદી,
મોસમની બદલાતી પાળી,
આયખાની પાટીમાં આળખેલી રેખાઓ,
આજે તમામ ભૂંસી દઈએ...
આવે છે આલબેલ અણજાણી કોરથી,
હૈયે પડઘાતી સૂર્ વાણી,
અંતર અનંતમાં કેટલાયે દરિયાઓ,
શૂન્યને સુકાન સોંપી વહીએ...
ગીત: ૧૩
પાંદડેથી ફૂટે પવન..
કૂપળીઓ રાગ બની ફાગણીઓ ઝૂલે,
ને શ્વાસોમાં મહોરે વસંત.
લીલીછમ વાતોમાં વળગેલાં વ્રુક્ષોથી
પીળચટુ સરકે ગગન..
પાંદડેથી ફૂટે પવન...
પાલવમાં ખીલે સુમન..
લસલસતા લોહીમાં ઊગે પલાસફૂલ
ને કોરે કલાપિનો કંઠ.
ભીનો પવન ભાગે માટીલી ગંધ લઈ
ને ઘેરે વરસાદી જોબન..
પાલવમાં ખીલે સુમન.
અંતરમાં જાગે અગન..
થરથરતાં ટેરવેથી છૂટે મદનબાણ
મારે એ અડકીલો ડંખ.
ફરફરતાં વાદળોમાં મેઘધનુ રંગલ્હાણ
ઝરતો સોહામણો અનંગ.
અંતરમાં જાગે અગન.
કોઈ કહેશો કેવાં આ શુકન ?
પાંદડેથી ફૂટે પવન....
ગીત: ૧૪
માને પિયુ તો માંડું એક ગોઠડી,
હવે આયુ વહીને વને બેઠી..
ચાલને જઈ રહીએ દો કલ એકાંતમાં
જાણીએ કે કેવી ગડ બેઠી.
યુવાની આપણી ઉન્માદ ને ઉન્મેષની,
આવી આવી ને ઊડી ગઈ'તી ,
ઉછેર્યા ફૂલડાં તે વાડી હવે આપણી,
દઈએ જઈ પતંગિયાને સોંપી...
ઉરની મીરાત બાંધી સ્મરણોની પોટલી,
જઈએ એકાંત દઈ ખોલી,
જીવવાની જીવતરની બાકી જે ક્ષણો રહી,
દઈએ કપૂર જેમ ફોરી..
આંખોની આડમાં મ્હોરશે વસંત અને
સૌરભથી મહેકશે ગગન.
મોસમના રંગ થશે મરજીને આધીન અને
હૈયામાં ખૂલશે અનંત...
ગીત: ૧૫
દોરીએ બંધાણું છે મન,
વલોણામાં આખુંયે વૃંદાવન.
ઘટના રસાયણમાં ચાંદાનું પૂરણ,
રાસે રમે રસ રંગ.
આંખોના આભલામાં નભલું સમાણું હવે,
વાયરાથી બાંધવું છે તન,
અડ્કીલી સૌરભના દરિયા હલેસીને
પહોંચવું છે એને વતન.
ઝરમરતાં અંગ અંગ, ધારાઓ ભીંજવશે
સંગ રંગ ભીનો ઉત્સવ..
સૂરના સપ્તક ને મનના ગગનમાં
કોઈ શબ્દોના તાર રણઝણ,
તારાઓ ઝાંઝરનું અવકાશી ઉપવનમાં,
થૈ થૈ, થૈ ચાલે નર્તન.
બંધક સમય આ પળના ઉપરામમાં,
અવિરામ કાળનું ખંજન..
ગીત: ૧૬
સૂરમોહન મન મોહન ભાવે ...
વાટે પડ્યાં'તા પત્થર જેવાં,
સૂરમંદિર આસન અપાવ્યાં.
અનંતની ઓસરીએ ગૂંજતા
હર ઉર આનંદના સૂર મેળા,
મન મહેરામણ ભક્તિ ઉછળે.
ગુરુ મોહન મનમોહન ભાવે...
વંદન તમને ઓ સૂરબ્રહ્મન,
પાત્ર,પુષ્પ,ફલ,સૂર સમર્પણ.
લભ્ય,અલભ્ય,કરણ ને તરણ પણ,
તારું સઘળું તુજને અર્પણ.
અંતર ઉચ્ચરણ સનાતન કહેશે
સૂરમોહન મનમોહન ભાવે..
ગુરુમોહન મન મોહન ભાવે...
ગીત: ૧૭
છલકે છે તારી આંખમાં એ શરાબ છે,
મહેંકે છે તારા હોંઠમાં એ ગુલાબ છે.
વરસે ગગન અટારી એ દેન કુદરતી
નિખરે જે તારા શ્વાસમાં એ શબાબ છે.
મનમાં ઉગે તે હોઠ પર આવે કદાચ ના,
વિલસે જે તારા મુખ પર એ કિતાબ છે.
ખોળે છે લોકો જેહને દૂર અગોચરે,
ઝલકે છે તારા નયનમાં એ જવાબ છે.
ધારે જો આવવા ખુદા ધરતીના આંગણે,
કરશે પસંદ 'શીલ'નો નિશ્ચે નકાબ એ.
ગીત: ૧૮
લાવ કવિતા રોજ કહો છો, આજ કવિતા લાવ્યો છું.
અનુભૂતિના અનુશીલથી, ભાવ સરિતા લાવ્યો છું.
જાણ અધૂરી, ભાવ અધૂરાં, સમજાવટના સાજ અધૂરાં,
તોય અધૂરપ દરિયો તરવા, શબ્દ તરાપા લાવ્યો છું.
આમ જુઓ તો જગ વિસ્તારે, મારી તે વિસાત કઈ,
ટીપું ટીપું કરી કરીને, વાદળ થોડાં લાવ્યો છું.
બ્રહ્મલીન જે કરે ટેરવાં, સ્પર્શ હજુ છે સ્મરણોમાં,
દૂર રહ્યાં જે મૌનમાં ગૂંજે, યાદ ખજાના લાવ્યો છું.
શીલ' નગરની સૂની શેરી, રવ રવનો તલસાટ કરે,
પ્રાણ પૂરે જે પથ્થરમાં પણ, પડઘાં એવાં લાવ્યો છું.
No comments:
Post a Comment