Thursday, September 8, 2016

આર્યા માટે હાલરડું.

હાલરડું
સૂરની દોરી તાણી ભઈલું બ્હેનીને પોઢાડે,
મધ્યમ, મધ્યમ મોહન રાગે બ્હેની મુખ મલકાવે.

વ્હાલી મને તું, માત,પિતાને, દાદી, દાદા સંગે,
હેત હિલ્લોળા લેતાં પોઢે, બ્હેની મન ઉછરંગે.

સુભગ દર્શન કાજે દેવી નિંદ્રા પણ પધારે,
હળવા હાથે હૃદયે ચાંપે, નયણે ઘારણ મૂકે.

બંધ નયણે સપના કેવાં હશે ભાઈ વિચારે,
ખુલ્લી આંખે ભઈલું પળભર પરીઓ સંગ રમી આવે.

ગગન ગોખે પડદા ખૂલશે અજવાળા અંધારે ,
બ્હેની પછી તો મુજ તુજ થાશે ભણતર પણ સથવારે.

હાથ પકડી એકબીજાનો જઈશું નિત્ય પ્રવાસે,
ભીડ ભર્યા સઘળાં રસ્તાઓ પાર થશે પળવારે.
કનુ સૂચક  “શીલ”     ૦૩/૦૬/૨૦૦૭      

1 comment:

esubhash said...

Very nice poetry Motabhai!
can you please translate in English to better understand this beautiful creation!
Thank you Sir
Subhash Solanki